રાજકોટના હેમુ ગઢવી હોલમાં 2025ના પ્રારંભે ગત 2 જાન્યુઆરીથી શરૂ થયેલાં સપ્ત સંગીતિના સાતમા દિવસે બુધવારે કલારસિકોએ પદ્મભૂષણ પં.અજોય ચક્રબર્તીના કંઠે શાસ્ત્રીય સંગીતના ઠુમરી અંગનો આસ્વાદ માણ્યો હતો. તેમની સાથે તબલાવાદક ઈશાન ઘોષે તબલા સંગત કરાવી હતી અને હાર્મોનિયમમાં જ્યોતિર્મય બેનરજીએ દર્શકોને ડોલાવ્યા હતા. પંડિતજી સાથે તેમના શિષ્યો બ્રજેશ્વર મુખર્જી, મહેર પરાલિકર અને અયેશા મુખર્જીએ કંઠ પૂરાવ્યો હતો. છેલ્લા સપ્તાહથી રંગીલું રાજકોટ સુરીલું બન્યું હતું. આ સાથે શાસ્ત્રીય સંગીતના સુવર્ણ મહોત્સવ સપ્ત સંગીતિની સૂરમયી પૂર્ણાહુતિ થઇ હતી.
સૂરમયી સંધ્યાઓ સાથેના સપ્ત સંગીતિ સપ્તાહમાં ઉસ્તાદ સ્વ.ઝાકીર હુસૈનના નાના ભાઈ અને પ્રખ્યાત જેમ્બે આર્ટિસ્ટ ઉસ્તાદ તૌફિક કુરેશીજી, નંદીની શંકર-મહેશ રાઘવનજી, વોકલ આર્ટિસ્ટ પદ્મભૂષણ પં.શ્રી સાજન મિશ્રાજી, વર્લ્ડ ફ્યુઝન મ્યુઝિક બેન્ડ- મી. ચિરાગ કટ્ટીજી, વોકલ આર્ટિસ્ટ ડો.અશ્વિનીજી ભીડે-દેશપાંડે, પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાનજી, પ્રખ્યાત સરોદવાદક પં. તેજેન્દ્ર નારાયણ મજુમદારજી તથા વોકલ આર્ટિસ્ટ ઠુમરી સ્પેશિયલ પં.અજોય ચક્રવર્તીજીએ પોતાના કલાના કામણથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.
આ સિવાય રાજકોટના શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પેઢીઓથી નામ ધરાવતા અને સંગીતનો વારસો જાળવી રહેલાં ઘણાં કલાકારોને પણ આ આંતરરાષ્ટ્રીય કલાકારોનો સાથ આપવા કે જુગલબંધી કરવાનો મોકો મળ્યો હતો. તેમને પણ દર્શકોનો અભૂતપૂર્વ પ્રેમ અને પ્રશંસા મળી હતી.