ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓના વખાણ કર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે આ શ્રેણીની જીત માટે ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ભારતે ઈંઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એક ઇનિંગ અને 64 રને જીતી લીધી હતી.
આ શ્રેણીમાં અમારા પર ઘણું દબાણ હતું
દ્રવિડે કહ્યું, સૌથી પહેલા હું તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપવા માગુ છું. આ શ્રેણીમાં ઘણી વખત જોવા મળ્યું કે અમારા પર ઘણું દબાણ હતું પરંતુ તેમ છતાં અમે સારું પ્રદર્શન કર્યું અને સિરીઝ જીતી. આ એકદમ સારી વાત હતી.
ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે કોઈ મેચમાં વિરોધી ટીમ કરતા આગળ હોઈએ છીએ, ત્યારે આપણે તેના પર સતત દબાણ બનાવીને મેચ જીતવી પડે છે. સિરીઝની શરૂઆત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે, જો કે, અમે હાર ન માની અને શ્રેણી જીતી લીધી.
દ્રવિડે વધુમાં કહ્યું કે, આ શ્રેણીમાંથી અમને શીખવા મળ્યું કે અમે એક ગ્રુપ તરીકે કેટલા મજબૂત છીએ. આ ગ્રુપમાં ઘણા યુવા ખેલાડીઓ હતા જેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેઓએ જાણવું જોઈએ કે આપણે બધાએ દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપવો જોઈએ. તમે બેટ્સમેન હો કે બોલર, જો તમારે સફળ થવું હોય તો એકબીજાને સપોર્ટ કરવો જરૂરી છે.
મને પૂરો વિશ્વાસ છે કે તમામ યુવા ખેલાડીઓ ભવિષ્યમાં સાથે રમશે અને ભવિષ્યમાં પણ એકબીજાને સાથ આપશે. ટેસ્ટ ક્રિકેટ સરળ નથી, તે ખૂબ જ મુશ્કેલ છે અને તમારે તેને રમવા માટે દરેક રીતે તૈયાર રહેવું જોઈએ. હું સપોર્ટ સ્ટાફનો પણ આભાર માનું છું. તે ઘણી લાંબી સિરીઝ હતી પરંતુ દરેકે પોતાનું કામ સારી રીતે કર્યું. તમે લોકોએ જે કંઈ હાંસલ કર્યું છે તેના માટે હું ખૂબ જ ખુશ છું.