રાજકોટમાં મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. અવનવા પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઊઠ્યું હતું. યુવતીઓ ગરબાના તાલે ઝૂમી ઊઠી હતી. વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસગરબા અને રજવાડી રંગીન છત્રી સાથે હુડો, હીંચ અને તાલી રાસની મોજ માણી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઈન્ડોનેશિયા, ઇઝરાયલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 16 દેશ તેમજ ભારતના અલગ-અલગ 7 રાજ્યના 160થી વધુ પતંગવીરોએ ભાગ લીધો હતો.
પતંગવીરો દ્વારા ઉડાડવામાં આવેલ પતંગોમાં સેવ અર્થ, બેટી બચાવો બેટી પઢાવો, કોબ્રા, રિંગ કાઈટ, આઈ લવ રાજકોટ સહિતના સંદેશાત્મક પતંગો અને મેક્સિકોથી આવેલા પતંગબાજની 25 મીટર લાંબી અને 18 મીટર પહોળી ડ્રેગન કાઇટ અને હૈદરાબાદથી આવેલા 19 વર્ષીય આકાશની 15 કિલોની રેઈનબો સ્પિનર સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.