ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો કરાર 17 કલાકની અંદર તૂટી જવાના આરે પહોંચી ગયો છે. આ ડીલને મંજૂરી આપવા માટે ઇઝરાયલની કેબિનેટની બેઠક મળવા જઈ રહી હતી. હવે પીએમ નેતન્યાહુએ આ બેઠક યોજવાની ના પાડી દીધી છે.
આ પહેલા બુધવારે રાત્રે 10:30 વાગ્યે કતારના PMએ માહિતી આપી હતી કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા સંબંધિત ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ પણ કેબિનેટને આ ડીલને મંજૂરી આપવા કહ્યું હતું. ગુરુવારે બપોરે 3:30 વાગ્યે ઇઝરાયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો કે આ સોદો મંજૂર થયો નથી.
નેતન્યાહુએ હમાસ પર કરારની શરતોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હમાસ સમજૂતીના અંત સુધી છૂટની માગ કરી રહ્યું છે. ઇઝરાયલ ટાઈમ્સના અહેવાલ મુજબ હમાસના અધિકારીઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે. અધિકારીઓ કહે છે કે તેઓ હજુ પણ શરતો પર છે.