નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યૂઝિક લવર્સ આવવાના છે. આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફૂલ થઈ ગયાં છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરા વાળા ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે.
આ અંગે ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આટલાં સારા કાર્યક્રમો આપણે ત્યાં થઈ રહ્યાં હોવાથી હોટલ અને ટુરિઝમના બિઝનેસને વેગ મળી રહ્યો છે. હાલમાં લગ્ન સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તેની સાથે જ અમદાવાદમાં કોલ્ડપ્લેનું પણ આયોજન થઈ રહ્યું છે, જેના કારણે ઓલમોસ્ટ બધી જ હોટલો ફૂલ થઈ ગઈ છે. જેમ જેમ કોલ્ડપ્લેની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્કવાયરીઓમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.
નરેન્દ્ર સોમાણીએ વધુમાં કહ્યું કે, કેટલાક ટ્રાવેલ એજન્ટોએ વડોદરાના પેકેજ બનાવ્યાં છે, કેમ કે આ દિવસ દરમિયાન ફ્લાઈટના ભાવ પણ વધુ છે. જેથી વડોદરામાં ચારેય બાજુથી ફ્લાઈટ આવતી હોવાથી લોકો માટે ત્યાં જ સુવિધા કરવામાં આવી છે. આ માટે વડોદરાની હોટલોમાં ઉતારો આપવામાં આવી રહ્યો છે. જ્યારે બાય રોડ દ્વારા કાર્યક્રમમાં ટેક્સીની સુવિધા કરી આપવામાં આવી છે. જેથી ઓવરઓલ તેમાં પણ તેમને ફાયદો થતો હોય છે. જે લોકો કોલ્ડ પ્લે જોવા આવવાના છે અને બુકિંગ કરાવ્યાં છે તેમને અમે નજીકના ફરવા લાયક સ્થળો જેવા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, અડાલજની વાવનું પણ માર્ગદર્શન અને પેકેજિંગની સુવિધા પણ કરી રહ્યાં છીએ.