રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ આજથી (24 જાન્યુઆરી) ફરી ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી પવનો ફૂંકાતાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાતાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે અમદાવાદ સહિતનાં શહેરોમાં ટૂ-વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ઠંડા પવનની સાથે રાજ્યમાં આજથી ઠંડીનું જોર પણ વધ્યું છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર-પશ્ચિમ ભારત પર એક એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, એને કારણે રાજ્યમાં પવનની ગતિ વધી છે. તદુપરાંત હાલમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે, એનું મુખ્ય કારણ છે કે સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવન આવી રહ્યા છે. જ્યારે ગુજરાત પ્રદેશ પર ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી ગુજરાત પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન યથાવત્ રહ્યું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારને સંભાવના નહિવત્ છે. અમદાવાદ શહેરમાં આજે લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આવતીકાલે પણ પવન 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા છે.