રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલી ધરતી ટ્રેડર્સ નામની પેઢીમાંથી લેવાયેલ કોટનસીડ (કપાસીયા) તેલનો નમુનો ફેઇલ જાહેર થતા કાયદેસર કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આયોડીનની માત્રા વધુ મળી આવતા મનપા દ્વારા ધરતી ટ્રેડર્સના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે જયારે શિયાળાની ઋતુમાં ચીકીનું વેચાણ કરતા વેપારીઓને પણ ખા ફૂડ લાયસન્સ મેળવી લેવા ફૂડ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરટીઓ પાસે આવેલા જુના માર્કેટીંગ યાર્ડમાં રહેલી ‘ધરતી ટ્રેડર્સ’ નામની પેઢીમાંથી ‘આસોપાલવ પ્રીમિયમ કવોલિટી રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (પેક્ડ બોટલ)’નો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. ટેસ્ટ રીડિંગ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા તેલમાં મિકસ કરવાની વસ્તુના પ્રમાણ સેપોનીફિકેશન વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. આ રીપોર્ટના આધારે દંડની કાર્યવાહી માટે એડીશનલ કલેકટર સમક્ષ કેસ મુકવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે શહેરના કે.ડી. ચોકથી રણછોડદાસ બાપુ આશ્રમ સુધી આશ્રમ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થીઓને ત્યાં 14 નમુનાની ચકાસણી કરી હતી. જેમાં તિરૂપતિ બાલાજી ચીકી, ગુરૂદેવ ચીકી, બાલાજી ચાઇનીઝ પંજાબી અને મહાકાળી પાણીપુરીનો સહીત ચાર વેપારીને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે. આ ઉપરાંત ભારત પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ચીકી, ન્યુ ડાયમંડ શીંગ, ભગવતી ફરસાણ, ત્રિલોક ખમણ, ગાયત્રી ખમણ, ઝેફસ ટી, લીંબુ સોડા, મુરલીધર ડીલક્સ અને શ્રીરામ ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી.