અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ‘સ્ટારગેટ’ લોન્ચ કર્યો છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય સફળતા માટે એઆઈની જરૂરિયાત છે. પરંતુ અમેરિકાને પડકાર આપતા ચીન પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીની કંપની ડીપસીકે એક એઆઈ મૉડલ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડલ ઓપનએઆઈ જેવી દિગ્ગજ કંપનીઓને ગણતરી, કોડ જનરેશન, ખર્ચ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં પાછળ છોડી શકે છે.
ડીપસીક એ 2023માં સ્થપાયેલી એઆઈ રિસર્ચ લેબ છે. તેના સ્થાપક અને સીઈઓ લિયાંગ વેનફેંગ છે. તે 2015માં સ્થપાયેલી હાઈ ફ્લાયર નામની કંપનીની શાખા છે. હાઇ ફ્લાયર અદ્યતન કમ્પ્યુટિંગનો ઉપયોગ કરીને નાણાકીય ડેટાનું વિશ્લેષણ કરવા માટે જાણીતી છે.
ડીપસીક આર-1 એ એડવાન્સ્ડ એઆઈ મૉડલ છે. તે ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યો પર હાલના ધોરણોને ઓળંગવાનો દાવો કરે છે. તે અને તેના પ્રકારો વ્યાપકપણે રિઈન્ફોર્સમેન્ટ લર્નિંગની ટેક્નિકો અને મલ્ટિ-સ્કેલ ટ્રેનિંગનો ઉપયોગ કરે છે.