લાલપુરના દ્વારકાધીશ પાર્કની વતની અને રાજકોટમાં રહી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી અપાવી દેવાની તથા તેના ભાઇને જેટકોમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉપેલટા પંથકના શખ્સે રૂ.3,08,100 રૂપિયા પડાવ્યા હતા, એટલું જ નહીં આ ગઠિયાએ યુવતી અને તેના ભાઇને નોકરીના નકલી ઓર્ડર અને તાલીમના નકલી ઓર્ડર પણ આપ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી.
લાલપુરની ઉપાસના ડાડુભાઇ કરમુરે (ઉ.વ.26) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના વાવડી ગામના પ્રતિક કિરીટ ડઢાણિયાનું નામ આપ્યું હતું. ઉપાસનાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે માર્ચ 2024માં વોકહાર્ટમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. તેની સાથે જ નોકરી કરતી એક યુવતીએ તેને કહ્યું હતું કે, તેના ગામ મોટી વાવડીનો પ્રતિક ડઢાણિયા તેને રાજકોટ મહાનગરપાલિકમાં નોકરી કરાવી અપાવાનો છે. તારે પણ મનપામાં નોકરી કરવી હોય તો હું તેને વાત કરું. ઉપાસના સાથી કર્મચારી યુવતીની વાતમાં ફસાઇ હતી અને તેણે પણ નોકરી માટે ઇચ્છા દર્શાવતા પ્રતિકે શરૂઆતમાં ઉપાસનાનો ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કર્યો હતો અને તમે લાલપુરના છો તો તમને જામનગર કોર્પોરેશનમાં નોકરી કરાવી આપીશ તે માટે રૂપિયાનો ખર્ચ થશે, અને ત્યાં ન થાય તો રાજકોટ કોર્પોરેશનમાં તો નોકરી કરાવી જ આપીશ તેવી ખાતરી આપી એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી.
ત્યારબાદ 11 ઓગસ્ટના ઉપાસના પુષ્કરધામમાં આવેલી હોસ્ટેલના રૂમે હતી ત્યારે પ્રતિક ડઢાણિયાએ ફોન કરી જામનગરની નોકરી થઇ જશે તેમ કહી રૂ.2500 ગૂગલ પે યુવતી પાસે કરાવડાવ્યા હતા અને બાદમાં રાજકોટ મનપામાં સિવિક સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી તેના ઓર્ડર, તેની તાલીમ સહિતના નામે અલગ અલગ રકમ પડાવી હતી. પ્રતિક તેની ગર્લફ્રેન્ડ અને ઉપાસનાને ઓર્ડરના બહાને ગાંધીનગર સચિવાલય લઇ ગયો હતો અને ત્યાં નવો ખેલ કર્યો હતો.