ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ 2022નું ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ટૉસ જીતીને ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. 138 રનના ટાર્ગેટનો ચેઝ કરતા ઇંગ્લેન્ડે 18.5 ઓવરમાં જ આ ટાર્ગેટ પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 કપની ફાઈનલમાં જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ફાઈનલમાં 49 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો 2019ના વન-ડે વર્લ્ડ કપમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે 98 બોલમાં 84* રનની વિજયી ઇનિંગ રમી હતી. તો સુપર ઓવરમાં પણ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. આમ તેણે હવે ઇંગ્લેન્ડની ટીમને બન્ને વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શાહિન શાહ આફ્રિદી શાદાબ ખાનની બોલિંગમાં હેરી બ્રૂકનો કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. લોંગ ઓન પર કેચ લેતી વખતે તેનો પગ લપસી ગયો હતો. તે દર્દથી રડતો જોવા મળ્યો હતો. ફિઝિયો પણ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાંથી મેદાન પર આવ્યો હતો. તેણે શાહિનને તપાસ્યો હતો. આ દરમિયાન મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.
ફિઝિયોએ જોયું કે શાહિન બરાબર ચાલી શકતો નથી. જેના કારણે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સમય સુધીમાં શાહિને મેચમાં 2 ઓવર નાંખી હતી. તેણે એલેક્સ હેલ્સની મહત્વની વિકેટ પણ લીધી હતી. આ પછી આફ્રિદી 15મી ઓવરમાં મેદાનમાં પરત ફર્યો હતો.