પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં પાંચ લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ અર્ધલશ્કરી દળોના વાહન પર હુમલો કર્યો. મૃતકોમાં 4 સુરક્ષાકર્મીઓ અને એક નાગરિકનો સમાવેશ થાય છે.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દારબનમાં થયો હતો, જે અફઘાનિસ્તાન નજીક આવેલા દક્ષિણ વજીરિસ્તાનની સરહદે છે. પોલીસના જણાવ્યા અનુસાર, કરિજાત લેવીઝ ફોર્સના જવાનો ચોરી થયેલી ટ્રકને લેવા જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો.
આ પહેલા ગઈકાલે બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 18 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ એન્કાઉન્ટરમાં 12 આતંકીઓ પણ માર્યા ગયા છે.
છેલ્લા 48 કલાકમાં બલૂચિસ્તાનમાં અલગ-અલગ ઓપરેશનમાં કુલ 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર આ હુમલા માટે બલૂચ લિબરેશન આર્મીને જવાબદાર ગણવામાં આવી રહી છે.