રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. ત્યાં 326 કરોડનાં ખર્ચે નિર્મિત અદ્યતન નવા ટર્મિનલનુ આજે (9 ફેબ્રુઆરી) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત અને કાઠિયાવાડની ઓળખ ગણાતા ગરબા ઉપરાંત ભાંગડા રમવામાં આવ્યા હતા અને તેથી મુસાફરોએ પણ આ સ્વાગતને બિરદાવ્યું હતું. સાથે 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા અદ્યતન ટર્મિનલને નિહાળી આકર્ષણ અનુભવ્યું હતું. મુસાફરોએ કહ્યું કે, બિઝનેસ ક્લાસ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ ખરેખર જરૂરી હતું.
રાજકોટના હિરાસર એરપોર્ટના ઈન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળી ચૂક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપી દીધું છે. એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. આ ઉપરાંત ઇમિગ્રેશન વિભાગની પણ મંજૂરી મળી જશે. કસ્ટમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયા બાદ ઇમિગ્રેશનની મંજૂરીની પણ પ્રક્રિયા ટૂંક સમયમાં થઈ જશે. જે બાદ આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે.