ભારત પણ આઇટી કંપનીઓ માટે હબ બની રહ્યું છે જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એશિયા પેશિફિક પ્રાંતમાં ટોચના ટેક્નોલોજી હબ તરીકે બેંગ્લુરુ બેઇજીંગ બાદ બીજા ક્રમાંકે છે. પ્રોપર્ટી કન્સલટન્ટ કશમેન એન્ડ વેકફિલ્ડના તાજેતરના રિપોર્ટ અનુસાર કંપનીએ ટેલેન્ટ, રિયલ એસ્ટેટ અને વ્યાપારિક માહોલને ધ્યાન સહિતના 14 માપદંડોને ધ્યાનમાં રાખીને ટેક માર્કેટની ઓળખ કરી છે.
રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિક પ્રાંતમાં બેઇજીંગ પછી બેંગ્લુરુ, ચેન્નાઇ, હૈદરાબાદ અને દિલ્હી ટોચના ટેક્નોલોજી હબ તરીકે ઉભર્યા છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન ટેક્નોલોજી ક્ષેત્રે 2,30,813 રોજગારીના સર્જન સાથે બેંગ્લુરુ ટોચ પર રહ્યું છે અને ત્યારબાદ યાદીમાં ચેન્નાઇ (1,12,781), હૈદરાબાદ (1,03,032) અને દિલ્હી (89,996) સામેલ છે.
ભારતીય અર્થતંત્ર માટે આઇટી અને ટેક આધારિત સેક્ટર્સ વૃદ્વિમાં સૌથી વધુ સહાયક પરિબળો રહ્યા હતા તેવું એમડી અંશુલ જૈને જણાવ્યું હતું. દેશમાં મજબૂત માર્કેટ ફંડામેન્ટલ્સની સાથે નીતિગત બદલાવને કારણે વૈશ્વિક આઇટી કંપનીઓ માટે ભારત એક લાભદાયી રોકાણ ડેસ્ટિનેશન બન્યું છે તેમજ વૈશ્વિક ટેક ટેલેન્ટને શોધવા માટે પણ ભારત પ્રથમ પસંદગી બની છે.