ધોરાજીને વિકાસના આધુનિક આયામોનો લાભ આપવા પાલિકાએ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આઇકોનિક રોડ બનાવીને લોકોને ભેટ આપવાનું નક્કી કરીને તેની કામગીરી શરૂ કરાવી દીધી છે. શહેરના સરદાર ચોકથી ફરેણી રોડ સુધી આ નિર્મળ પથ બનશે જેના પર વારંવાર ટહેલવા જવાનું કે પસાર થવાનું મન થાય તેવો આ માર્ગ બની રહેશે તેવો સુત્રોએ દાવો કર્યો છે.જે રીતે ગૌરવ પથ શહેરોમાં તૈયાર કરવામાં આવતા હતા તેના કરતાં પણ આ માર્ગ વધુ આરામદાયક બનાવાશે.
નગરપાલિકાએ સરદાર ચોકથી ફરેણી રોડ સુધીનો રસ્તો નવી જ ગાઇડલાઇન અનુસાર બનાવવાનું શરૂ કરી દીધું છે. આ નિર્મળ પથ માટે 1,61,97,000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.અને જે કામગીરી પૂર્ણ થયેથી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. પાલિકાનાં વહીવટદાર નાગાર્જુન તરખાલા અને ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે આ પથ પર નયનરમ્ય સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક મઢેલી ફૂટપાથ, બેસવા માટે આરામદાયક બાંકડા, ફ્લાવર બેડ, ડેકોરેટિવ ગ્રીલ સર્કલ, આકર્ષક ગેટ તૈયાર કરાશે, કે જે અદકેરું નજરાણું બની રહેશે ટૂંક સમયમાં જ આ રોડની કામગીરી પૂર્ણ થયે લોકોને આઇકોનિક રોડની સુવિધાનો લાભ મળશે.