રાજકોટમાં ભાગીદારીમાં વેપાર કરતાં રંગપરના યુવા વેપારી પાસેથી અમદાવાદના શખ્સે સોપારી અને ઘરઘંટીની ખરીદી કરી નાણાં નહીં ચૂકવી રૂ.20.17 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પડધરીના રંગપરમાં રહેતા અને રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી નજીક આસ્થા એન્કલેવમાં જેકેસી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારી પેઢી ધરાવતા પીયૂષ જયંતીભાઇ મુંગલપરા (ઉ.વ.29)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા જૈમીન દિનેશ પરમારનું નામ આપ્યું હતું.
જૈમીને રાજકોટના વેપારી પીયૂષને સોપારીનું સેમ્પલ જૂનાગઢ પેઢી ખાતે મોકલવાનું કહેતા પીયૂષ મુંગલપરાએ રૂ.42315ની કિંમતના સોપારીના બે પાર્સલ મોકલ્યા હતા અને જૈમીને સોપારીની ગુણવત્તા સારી હોવાનું કહી મોટા જથ્થાનો ઓર્ડર આપશે તેમ કહ્યું હતું.
વેપારીઓ પાસેથી નાણાં આવ્યે રકમ ચૂકવતો રહેશે તેમ કહી જૈમીને કટકે કટકે નાણાં આપવાનું ચાલુ કર્યું હતું અને પીયૂષ મુંગલપરા પાસેથી કટકે કટકે રૂ.22,58,345ની સોપારી ખરીદ કરી હતી અને સમયગાળા દરમિયાન પીયૂષ મુંગલપરા પાસેથી રૂ.1.40 લાખની ઘરઘંટી પણ ખરીદી હતી. જૈમીન પરમારે કુલ રૂ.23,98,345ની ખરીદી સામે રૂ.3,31,150 કટકે કટકે આપ્યા હતા અને બે ચેક આપ્યા હતા. પીયૂષ મુંગલપરાએ તે ચેક જમા કરાવતા તે પાછા ફર્યા હતા. બાકી નીકળતાં નાણાં રૂ.20,67,195 માટે પીયૂષે ફોન કરતાં રિસીવ કરવાનું બંધ કર્યું હતું.