રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઇ વિદ્યાર્થિનીના પિતા દ્વારા નીતિન બગથરીયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા છ મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
મારી દીકરી સતત રડતી અને ટેન્શનમાં રહેતી
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પુરુષે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે, હુ છેલ્લા 3 વર્ષથી અહી રાજકોટમાં મારા પરીવાર સાથે રહુ છુ. મારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો છે, જે મુંબઇમાં મારા સાસુ-સસરા સાથે રહે છે અને ત્યા જ અભ્યાસ કરે છે. તેનાથી નાની દીકરી 15 વર્ષની છે જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. અમારૂ મુળ વતન રાજસ્થાન છે. મારી દીકરી છેલ્લા 10-15 દિવસથી ખૂબ જ ઉદાસ રહેતી હોય અને ઘણી વખત રડતી હોય, જેથી બે-ત્રણ વખત મે મારી દીકરીને ખૂબ જ સમજાવીને પુછેલ તો તે કાઇ બોલતી ન હતી અને સતત ટેન્શનમાં રહેતી હતી.
દીકરીને સમજાવતા હકીકત જણાવી
ધોરણ-10માં અભ્યાસ કરતી હોય જેથી ભણવાનુ કોઇ ટેન્શન હશે એમ હુ સમજતો હતો પરંતુ, ગઇકાલે દીકરી ખૂબ જ ઉદાસ હતી અને મે મારી પાસે તેને બોલાવીને સમજાવતા દીકરી ખૂબ જ રડવા લાગેલ અને મને કહેવા લાગેલ કે, પાડોશમાં રહેતા નીતીન બગથરીયા અંકલ મને ડરાવીને બીવડાવીને એક આન્ટીને ત્યા બોલાવે છે અને મારી સાથે ખૂબ જ ખોટુ કામ કરે છે. આમ વાત કરતા મને ખૂબ જ આઘાત લાગેલ જેથી, મે તથા મારી પત્ની બંનેએ મારી દીકરીને સમજાવેલ અને આખી વાત તેની પાસેથી જાણી.