શહેરની ભાગોળે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષણ બોર્ડના સચિવને ઈ-મેલથી ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ વોશરૂમ જવાના બહાને ચોરી કરાવવામાં આવે છે, સ્કૂલ મેનેજમેન્ટના જ સાહેબ ઈશારો કરે એટલે કેટલાક વિદ્યાર્થી વોશરૂમમાં જાય અને ત્યાંથી માઈક્રો કોપી લઇ આવે અને તેમાંથી ચોરી કરાવવામાં આવે તેવા આક્ષેપ કર્યા છે. સીસીટીવી તપાસની પણ માગણી કરવામાં આવી છે. જોકે આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે કહ્યું હતું કે, સીસીટીવી મગાવ્યા છે તેની તપાસમાં ચોરી કરાવતા હોવાનું ખૂલશે તો સ્કૂલ પર પ્રતિબંધ મુકાશે.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, એક વિદ્યાર્થી માઇક્રો કોપીમાંથી લખે અને બાદમાં તે વિદ્યાર્થી વોશરૂમમાં માઇક્રો કોપી મૂકી આવે અને પછી બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે. આ રીતે માસ કોપી કેસનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા.3 માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને ઈ-મેલ કરી વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી છે.
વિદ્યાર્થીએ આક્ષેપ કરતા કહ્યું કે, પેપર બપોરે 3 વાગ્યે શરૂ થાય છે. 4.30 વાગ્યા બાદ પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું શરૂ થાય છે. વર્ગખંડમાં સર આવી વિદ્યાર્થીઓને ઈશારો કરે છે અને ત્યારબાદ એક પછી એક વિદ્યાર્થી વોશરૂમમાં જાય છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ માઇક્રો કોપી લઈને ક્લાસરૂમમાં આવે છે. પોપ્યુલર સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની માઇક્રો કોપી મેં જોઈ હતી. જેમાં 50-60 માર્કના MCQ અને ટૂંકમાં મુદ્દાઓ લખેલા હોય છે. વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પૂર્ણ કર્યા બાદ વોશરૂમમાં ગયો ત્યાંથી મને માઇક્રો કોપી મળી હતી.