વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજથી બે દિવસ સુરત અને નવસારીમાં પીએમના કાર્યક્રમ યોજવાના છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ગામે-ગામ અને શહેરમાંથી પણ લોકોને સુરત લઇ જવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝનમાંથી 100 એસ.ટી. બસ ફાળવી છે. સૌરાષ્ટ્રભરમાંથી પણ મોટી સંખ્યામાં એસ.ટી. બસ સુરતના કાર્યક્રમમાં ફાળવી દેવાતા આજે સૌરાષ્ટ્રના એસ.ટી. બસ સ્ટેન્ડમાં યાત્રિકને ભારે હાલાકી વેઠવી પડી શકે છે.
જોકે હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ 10અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી હોય વિદ્યાર્થીઓના રૂટની બસ નિયમિત રીતે દોડાવી શકાય તેવી પણ વ્યવસ્થા રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા કરવામાં આવી છે.રાજકોટ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એસ.ટી. બસ કાર્યક્રમમાં લઇ લેવાતા નેક રૂટ રદ કરવા પડી શકે છે. એકબાજુ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, બીજીબાજુ એસ.ટી બસોમાં પણ યાત્રિકોનો સારો એવો ટ્રાફિક જોવા મળે છે ત્યારે જ સરકારી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસ.ટી બસ ફાળવી દેવાતા એસ.ટી બસ સ્ટેન્ડમાં જે-તે રૂટની બસ મેળવવામાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડીશકે છે.
જોકે રાજકોટ ડિવિઝન હેઠળ આવતા જુદા જુદા 9 ડેપોમાંથી વધારાની બસ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમ છતાં નાના-મોટા કેટલાક રૂટ રદ કરવા પદે તો મુસાફરોએ હેરાન થવું પડશે. જો યાત્રિકોને પોતાના નિશ્ચિત સ્થળોએ જવા માટે એસ.ટી. બસ સેવાનો લાભ નહીં મળે તો તેમણે નાછૂટકે ખાનગી વાહનોના સહારે જવું પડશે.