લાહોરના ડોન અમિર સરફરાઝની હત્યા કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લાહોરમાં કેટલાક લોકોએ અમીરને ગોળી મારી હતી. આ પછી તેનું મોત થયું. એવું માનવામાં આવે છે કે અમીર સરફરાઝ અને તેના સહયોગીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર 2013માં લાહોર જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીત સિંહની માર મારી હત્યા કરી હતી.
ડિસેમ્બર 2018માં પાકિસ્તાનની એક કોર્ટે પુરાવાના અભાવને ટાંકીને સરબજીતની હત્યાના બે આરોપીને મુક્ત કર્યા હતા. જેમાં અમીર સરફરાઝ અને મુદ્દસરનો સમાવેશ થાય છે. આ બંને વિરુદ્ધ કોઈએ જુબાની આપી નહોતી. વાસ્તવમાં પંજાબનો સરબજીત 1990માં ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાની સેનાએ તેને ભારતીય જાસૂસ કહીને બંધક બનાવી લીધો હતો.
પાકિસ્તાનમાં સરબજીતના હત્યારાના મોતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાને હાલમાં જ ભારત પર ટાર્ગેટ કિલિંગનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે તેના નાગરિકોની હત્યા કરી રહ્યું છે. પાકિસ્તાને બ્રિટિશ મીડિયા હાઉસ ધ ગાર્ડિયનના અહેવાલને ટાંકીને આ આક્ષેપો કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે "ભારતીય ગુપ્તચર કાર્યકર્તાઓ વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને ખતમ કરવાની તેમની વ્યૂહરચનાના ભાગરૂપે પાકિસ્તાનમાં ઘણા લોકોની હત્યા કરી રહ્યા છે."