શહેરના કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઇંટના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા ગાંડાભાઇ ભાણાભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં, હાલ તેઓ કણકોટ રોડ પર ચાલતા ઇંટના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા હોય ત્યાં જ રહેતા હતા. જ્યારે વીરડા વાજડી ગામનું મકાન બંધ રાખ્યું હતું. દરમિયાન બે દિવસ પહેલા પોતે પત્ની સાથે વીરડા વાજડીના ઘરે ગયા હતા. સાંજે મકાન બંધ કરી જતા રહ્યા હતા. ત્યારે પત્ની મંગળવારે વીરડા વાજડી ઘરે જતા મકાનના પાછળના નવેળાની બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી. ઘરમાં તપાસ કરતા ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. કબાટ ચેક કરતા અંદર રાખેલા રોકડા રૂ.20 હજાર તેમજ સોનાના ઘરેણાં, લેપટોપ મળી કુલ રૂ.60 હજારની મતા ગાયબ હતી. પત્નીએ પોતાને જાણ કરતા પોતે વીરડા વાજડી દોડી ગયા હતા અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી ચોરીની ફરિયાદ નોંધાવી છે.