સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઇ હતી. જોકે, એ મહિલાને માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું. જોકે, સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું હતું.
મહિલા જાતે પડખું પણ ફેરવી શકતી નહોંતી રીનાબેન જયેશભાઈ ઝાળા (ઉંવ. 21, રહેવાસી ગડોદરા, સુરત)ને 2, જાન્યુઆરી, 2025ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યાં હતાં. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્કયુલર નેક્રોસીસ ઓફ હીપ (થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું), એક્યુટ ઈન્ટરમીટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેઈટ (લોહીમાં હિમોગ્લોબીન બનવાની તકલીફ) જેવી બીમારીઓ હતી. બંને થાપામાં સખત દુઃખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી. આ સાથે સ્વતંત્ર રીતે હલન-ચલન તો દુર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન પણ હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું.
સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડીક અને ગાયનેક વિભાગના ડોકટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી. 11 જાન્યુઆરી, 2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ 19 જાન્યુઆરીના રોજ તેણીને દુ:ખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેક વિભાગના ડોકટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી.