ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવક રાજકુમાર રતનલાલ જાટના લાપતા થયા બાદ લાશ મળ્યાના પ્રકરણમાં મૃતકના પરિવારજનો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે, આ મામલો અકસ્માતનો હોવાનું રાજકોટ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે ત્યારે રાજસ્થાનમાં આંદોલનનો આ મુદ્દો બન્યો છે, સોમવારે જાટ સહિતના સમાજના લોકોએ સંમેલન કરી ન્યાયની માગ કરી હતી અને સાત ધારાસભ્યો તેમજ એક સંસદ સભ્યએ પત્ર પાઠવી સીબીઆઇ તપાસની માંગ કરી હતી.
રાજકુમાર જાટનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલથી સંભાળ્યા બાદ રતનલાલ જાટ સહિતના પરિવારજનો તેના વતન રાજસ્થાનના ભીલવાડા જતા રહ્યા હતા, રાજકુમાર લાપતા થયો ત્યારથી તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ શરૂ કર્યા હતા અને રાજકુમારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં ગણેશ જાડેજા સહિતનાઓએ ઢોરમાર માર્યાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમારના મૃત્યુનો મામલો રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોમવારે ભીલવાડામા અધિક કલેક્ટરને જાટ સહિતના સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી સીબીઆઇ તપાસની માગ કરી હતી, આવેદનપત્ર પાઠવ્યા બાદ કલેક્ટર કચેરી નજીક જ ઉપવાસ આંદોલન શરૂ થયું હતું અને ત્યાં અલગ-અલગ સમાજના આગેવાનોએ રાજકુમારને ન્યાય અપાવવાની માંગને તેજ બનાવી હતી. ભીલવાડા જિલ્લાના સાતેય ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય દામોદર અગ્રવાલે પત્ર લખી સીબીઆઇ તપાસની માંગ કરી હતી. પાંચ દિવસમાં માંગ પૂરી નહી થાય તો આગામી દિવસોમાં રાજસ્થાનના તમામ જિલ્લામાં ઉગ્ર દેખાવ ઉપરાંત જરૂર પડ્યે રાજકોટ, ગોંડલ અને ગાંધીનગરમાં દેખાવની પણ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.