અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય ભયાનક વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે. બે અઠવાડિયાંથી ચાલી રહેલા વાવાઝોડાને કારણે અત્યારસુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેલિફોર્નિયામાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ બાઈડને રવિવારે ત્યાં ઈમર્જન્સી જાહેર કરી છે.
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ મુજબ સોમવારે પણ ભારે વરસાદની સંભાવના છે. તેનાથી કેલિફોર્નિયાની સમસ્યાઓમાં વધુ વધારો થશે. આ ભયાનક તોફાન માટે એટ્મોસ્ફિયરિક રિવર જવાબદાર હોવાનું કહેવાય છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં 8 એટ્મોસ્ફિયરિક રિવર સામે કેલિફોર્નિયાનો સામનો થઈ ચુક્યો છે. સેન્ટર ફોર વેસ્ટર્ન વેધર એન્ડ વોટર એક્સ્ટ્રીમ્સ અનુસાર, કેલિફોર્નિયામાં આખા વર્ષમાં જેટલી એટ્મોસ્ફિયર રિવર બને છે, તે થોડા જ અઠવાડિયામાં બની ગઈ. ક્યાંક વરસાદના રૂપમાં વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક બરફનું તોફાન છે. અત્યારે વધુ બે એટ્મોસ્ફિયરિક રિવર કેલિફોર્નિયામાં આવવાની ધારણા છે.