રાજકોટ મહાનગરપાલિકામાં પેધી ગયેલા અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોવાની રાવ તાજેતરમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના નગરસેવકોએ જ ઉઠાવી હતી અને હવે તેને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી માટે નવયુગલને આવવું ફરજિયાત ન હોવા છતાં આવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. લગ્ન નોંધણી શાખામાં આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી ઘરની ધોરાજી ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. બીજીબાજુ આખા શહેરમાં એકમાત્ર સેન્ટ્રલ ઝોનમાં જ લગ્ન નોંધણી થતી હોય મનપામાં આવતા નવયુગલોને આખો દિવસ આ કામગીરી પાછળ હેરાન થવું પડતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આરોગ્યશાખામાં લગ્ન નોંધણીની કામગીરી થાય છે અને દરરોજના 50 થી 60 જેટલા યુગલોના લગ્નની નોંધણી કરવામાં આવે છે. મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી માટે કાયદામાં નવ યુગલની હાજરી ફરજિયાત ન હોવા છતાં તેની ફરજ પાડવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. ગત મંગળવારે મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી માટે ગયેલા એક એડવોકેટ અને મહાનગરપાલિકાના નિવૃત્ત અધિકારીને આ મુદ્દે આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી સાથે ચડભડ થયાનું અને તેઓએ પરિપત્ર માગતા વંકાણીએ તે આપવાની ના પાડ્યાની રાવ ઉઠી છે.
એડવોકેટ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગ્ન નોંધણીના કાયદામાં યુગલને આવવાની કોઇ જોગવાઇ જ નથી. કાયદામાં રજિસ્ટ્રાર કઇપણ માગી શકે તેવી જોગવાઇ છે. જે ખૂટતા દસ્તાવેજો સંદર્ભે છે પરંતુ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી તેનું ખોટું અર્થઘટન કરી મીસ યૂઝ કરી રહ્યા છે. જો રજિસ્ટ્રારને કોઇ શંકા હોય તો તેમણે સ્થળ તપાસ કરવાની હોય છે. યુગલને ધક્કા ખવડાવવાના હોતા નથી. કોઇ યુગલ લગ્ન બાદ ફરવા ગયા હોય અને પછી વિદેશ જવાનું હોય તો તેમને લગ્ન નોંધણી માટે સમય ન મળે તો પરિવારના અન્ય સભ્ય તે કરાવી શકે. આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલને પણ અમે રજૂઆત કરી હતી અને તેઓએ પણ કાયદામાં આવી કોઇ જોગવાઇ ન હોવાનું સ્વીકાર્યું હતું.