રાજકોટ મહાનગરપાલિકાએ આખરે નવી ઢોર પકડ પોલિસીને અપનાવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી દેતા હવે જનરલ બોર્ડમાંથી દરખાસ્ત પસાર થશે. દરખાસ્ત પહેલી વખત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાતા તેનો વિરોધ થયો હતો અને શાસકોએ પશુપાલકોને સાંભળવાનો સમય આપ્યો હતો જોકે તેમાં દંડ ઘટાડવાની વાત આવી હતી પણ રાજ્ય સરકારે જ દંડની રકમ નક્કી કરી હોવાથી તેમાં કોઇ ફેરફાર શક્ય ન હોવાથી ફરી મળેલી સ્ટેન્ડિંગમાં મંજૂરી આપી દેવાઈ છે.
નવી પોલિસી મુજબ રાજકોટ શહેરમાં તમામ ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. વધુમાં વધુ ચાર પશુની મર્યાદામાં પરમિટ મળશે જ્યારે તેનાથી વધુ પશુ હશે તો તેને વ્યવસાયિક પશુપાલન ગણીને લાઇસન્સ લેવું પડશે. આ ઉપરાંત લાઇસન્સ કે પરમિટ માટે માલિકીની જ જગ્યા હોવી ફરજિયાત કરી દેવાઈ છે. શેરી કે પછી જાહેર પ્લોટ અને રસ્તા પર ઢોર બંધાતા હશે તો તેમાં મંજૂરી અપાશે નહીં. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, મનપા હવે ઢોર પકડવાની કામગીરી વધુ તેજ બનાવશે અને નવી પોલિસી મુજબ પશુ પકડાય તો તેને છોડાવા માટેનો દંડ 3000 રૂપિયા થશે જે પહેલા 1000 રૂપિયા હતો.