નવમો મહિલા T20 વર્લ્ડ કપ ગઈકાલથી શરૂ થઈ ગયો છે. જોકે ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે, પરંતુ સ્ટ્રેન્થ અને ફોર્મની દૃષ્ટિએ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતનો દાવો બાકીની ટીમ કરતા વધુ મજબૂત લાગે છે. અમે ત્રણ ફેક્ટર્સ પર આ ટીમના દાવાની તપાસ કરી છે.
ભારત, જે પુરુષોની ક્રિકેટમાં ટોચની ટીમમાં સામેલ છે, તેની પાસે મહિલા ક્રિકેટમાં પણ ટોચની ટીમ છે, પરંતુ ટીમને તેના ખાતામાં માત્ર ICC ટ્રોફીની કમી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ પડકાર આપ્યો છે અને ઘણી વખત તેમને હરાવ્યું છે. મોટી મેચના દબાણમાં ભારત ક્યારેક ઓસ્ટ્રેલિયા સામે તો ક્યારેક ઇંગ્લેન્ડ સામે નોકઆઉટ મેચ હારી ગયું અને ટ્રોફી જીતવાની તક ગુમાવી. હવે ટીમ પાસે તેના ઇતિહાસમાં પ્રથમ ICC ટ્રોફી જીતવાની તક છે.
2009 અને 2010 T-20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં હાર્યા બાદ ભારતીય મહિલા ટીમ આગામી ત્રણ વખત ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. 2018થી, ટીમે ફરી હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાનું શરૂ કર્યું. ટીમને બે વખત સેમિફાઈનલમાં અને એક વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.