અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત તેમજ સમગ્ર દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં પણ શરૂઆતી તબક્કામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નીચા મથાળે ફંડોની લેવાલીએ રિકવરી જોવા મળી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી હતી, ત્યારે ટ્રમ્પે ભારત સામે 26% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પે ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ફાર્મા સેક્ટરને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે જેથી આજે હેલ્થકેર સેક્ટરમાં અંદાજીત 2.00% આસપાસનો ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરીફ જાહેર કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર વધવાની ભીતિ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સામાન્ય ઉછાળા બાદ ઘટાડા તરફી રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.31% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.76% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, ઓટો, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4123 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1169 અને વધનારની સંખ્યા 2813 રહી હતી, 141 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 4.34%, સન ફાર્મા 3.26%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.92%, એનટીપીસી લિ. 1.97%, એશિયન પેઈન્ટ 1.82%, નેસ્લે ઇન્ડિયા 1.54%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.00%, ટાઈટન કંપની લિ. 0.88% અને એકસિસ બેન્ક 0.45% વધ્યા હતા, જયારે ટીસીએસ લિ. 3.98%, ટેક મહિન્દ્ર 3.79%, એચસીએલ ટેકનોલોજી 3.71%, ઇન્ફોસિસ લિ. 3.41%, ટાટા મોટર્સ 2.64%, કોટક બેન્ક 0.97%, મહિન્દ્રા & મહિન્દ્રા 0.95%, બજાજ ફાઈનાન્સ 0.81% અને ટાટા સ્ટીલ 0.65% ઘટ્યા હતા.