ગરમી દિન પ્રતિદિન વધુ જોર પકડી રહી છે. સૌરાષ્ટ્ર જાણે કે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટમાં ગુરુવારે 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં સેન્સર મુક્યા છે. ગુરુવારે સેન્સરમાં ત્રિકોણબાગ, કોઠારિયા, રેસકોર્સ રિંગ રોડ, મહિલા કોલેજ વિસ્તારમાં તપામાનનો પારો 45 ડિગ્રીને પાર થતા લોકો અકળાયા હતા અને બપોરના સમયે મુખ્ય બજારો, રસ્તાઓ સૂમસામ રહ્યા હતા.
એપ્રિલ મહિનો શરૂ થતાં જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે 2 એપ્રિલે 42.1 ડિગ્રી અને ગુરુવારે 3 એપ્રિલે 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે. આકરી ગરમીને કારણે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રસ્તા કર્ફ્યૂ જેવા સૂમસામ જોવા મળી રહ્યા છે.