રાજકોટના ગોંડલ રોડ પર શાપર પાસેના કાંગશિયાળી ગામે રહેતો ભવ્ય રાજેશભાઇ સાકરિયા (ઉ.19)એ પોતાના ઘેર રસોડાની છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા શાપર પોલીસે તપાસ કરતા મૃતક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો અને અભ્યાસ પૂર્ણ કરી ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો. પોલીસની પૂછતાછમાં ભવ્યના પિતા ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું અને હાલ તેના મોટા પુત્રની પત્નીને ડિલિવરી આવી હોય તે માવતરે ગયા હતા અને મોટો પુત્ર અને હું બહાર ગયા હતા. નાનો પુત્ર ભવ્ય અને તેની માતા ઘેર હતા.
બન્ને બપોરે જમ્યા હતા અને માતાને આરામ કરવા મોકલી દીધા હતા અને ભવ્ય ટીવી જોતો હતો. બાદમાં તેની માતા જાગીને જોતા પુત્ર લટકતો હોવાનું જોવા મળ્યું હોવાનું તેના પિતાએ જણાવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.