વડોદરાના સોની બજાર અને અાંગળીયા પેઢી ઉપર 15 દિવસથી ચૂંટણીની આચારસંહિતાની માઠી અસર વર્તાઇ છે. ચેકિંગ માટેની ટીમોના ડરે સોની બજારો પાંખી હાજરી પામ્યા છે. લગ્નસરાની સિઝનમાં હાલત કફોડી છે. આંગડિયાના કર્મચારીઓ રાજકોટ, અમદાવાદ અને સુરતથી ડિલિવરી આપવા આવતા અચકાતા સોનીઓએ ગ્રાહકોને વાયદા કરવાની નોબત આવી છે. આંગડિયાના રોજના ચારથી સાડા ચાર કરોડ રૂપિયાના કારોબાર પર અસર પડી છે. ન્યાયમંદિર, સરદારભવનનો ખાંચો સહિત વિસ્તારમાં 50 જેટલી આંગડિયા પેઢી છે.
અગ્રણી આંગડિયાના સંચાલકે કહ્યું કે, વડોદરામાં 80 ટકા વ્યવહોરો બંધ છે. લગ્નસરાની સિઝન છે. ચેકિંગની બબાલમાં ગ્રાહકો પડવા માંગતા નથી. આવવાનું ટાળી રહ્યાં છે. બહારગામના વેપારીઓએ માલ મોકલવાનો નન્નો ભણી દીધો છે. ધંધો ઠપ છે.’ ઘડિયાળી પોળ સોની એસો.ના કનુભાઇ સોની કહે છે કે, ‘હજી વેપારીઓને વડોદરામાં કનડગતનો કિસ્સો બહાર આવ્યો નથી. અમદાવાદ અને સુરત મોકલાતા દાગીના રિપેરિંગ માટે જે મોકલ્યા હતા તે, રાજકોટ અપાયેલા નવા ઓર્ડરો વેપારીઓ મોકલતાં નથી. જેથી સોની બજાર પણ લગભગ ઠપ છે. ગ્રાહકોને વાયદાઓ આપવા પડી રહ્યાં છે.