સુપરહિટ ફિલ્મ '12મી ફેલ'ના દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાના પુત્ર અગ્નિ ચોપરાએ રણજી ટ્રોફી-2024માં નવો રેકોર્ડ બનાવ્યો છે. તે પોતાની કારકિર્દીની પ્રથમ 4 ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર બની ગયો છે. આ યુવા બેટ્સમેને 5 જાન્યુઆરીએ સિક્કિમ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.
મિઝોરમ તરફથી રમતા 25 વર્ષીય અગ્નિએ મેઘાલય સામે બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. આ તેની સતત ચોથી સદી છે. અગ્નિએ છેલ્લી ઇનિંગ્સમાં 105 રન બનાવ્યા હતા. આ ઇનિંગ બાદ અગ્નિને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 105 રન અને બીજા દાવમાં 101 રનનું યોગદાન આપ્યું હતું. તેની ઇનિંગને કારણે મિઝોરમની ટીમે મેઘાલય પર 191 રનનો મોટો વિજય નોંધાવ્યો હતો.
અત્યાર સુધી દરેક મેચમાં સદી ફટકારી છે
અગ્નિ દેવ ચોપરાએ આ સિઝનમાં પોતાની તમામ મેચમાં સદીની ઇનિંગ્સ રમી છે. તેણે સિક્કિમ સામે ડેબ્યૂ મેચમાં 166 અને 92 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ નાગાલેન્ડ સામે 166 અને 15 રન બનાવ્યા હતા. આ પછી અગ્નિએ અરુણાચલ પ્રદેશ સામે 114 અને 10 રનની ઇનિંગ્સ રમી હતી અને મેઘાલય સામે તેણે પ્રથમ ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 101 રન બનાવ્યા હતા.