એશિયા કપમાં પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે 155 રનથી જીત મેળવી હતી. હવે ફરી 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. પાકિસ્તાને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને 57 બોલમાં 78 રન જ્યારે ફખર ઝમાને 41 બોલમાં 53 રન બનાવ્યા હતા. ખુશદિલ શાહે 15 બોલમાં 35 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની ટીમ માત્ર 38 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ નવાઝે 3 અને નસીમ શાહે 2 વિકેટ લીધી હતી.
પાકિસ્તાન માટે નસીમ શાહે શાનદાર બોલિંગ કરી અને તેની પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી. તેણે પહેલા હોંગકોંગના કેપ્ટન નિઝાકત ખાનને આસિફ અલીના હાથે કેચ કરાવ્યો, પછી બાબર હયાતને ક્લીન બોલ્ડ કર્યો. નસીમ પછી ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીએ યાસીમ મોર્તઝાને ખુશદિલ શાહના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો.
હોંગકોંગની ચોથી વિકેટ શાદાબ ખાને લીધી હતી. તેણે 6 બોલમાં 1 રન રમીને એજાઝ ખાનને ક્લીન બોલ્ડ કર્યો હતો. મોહમ્મદ નવાઝે પાંચમી અને છઠ્ઠી વિકેટ લીધી હતી. તેમણે કિંચિત શાહ અને સ્કોટ મેકેનીને પેવેલિયન મોકલી દીધી હતા. જેમ આજે હોંગકોંગ હાંફી ગયું તેમ 4 સપ્ટેમ્બરે ભારત સામે પાકિસ્તાન પણ હાંફી જશે.