સાઉદી અરેબિયાએ 14 દેશ માટે વિઝા સર્વિસ હંગામી રીતે રદ કરવામાં આવી છે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝિટ માટેના વિઝા જૂનના મધ્ય સુધી પ્રતિબંધિત રહી શકે છે. આ સમય દરમિયાન મક્કામાં હજયાત્રા થશે.
માહિતી મુજબ, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, જેથી સંપૂર્ણ રજિસ્ટ્રેશન કર્યા વગર હજ પર જતા લોકોને રોકી શકાય, જોકે જેમની પાસે ઉમરાહ વિઝા છે તેઓ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયા પહોંચી શકે છે. આ વર્ષે હજયાત્રા 4 જૂનથી 9 જૂન સુધી ચાલશે.
અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત મુસાફરોને નવા નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરે છે તો તેના સાઉદી અરેબિયામાં પ્રવેશ પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.