રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનાથી મચ્છરજન્ય રોગચાળો ખૂબ વકર્યો હતો. દર સપ્તાહે આંક વધતો જતો હતો. બે સપ્તાહમાં આંક સ્થિર થયા બાદ આખરે ગત સપ્તાહમાં ડેન્ગ્યુના ફક્ત 8 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જેમ જેમ શિયાળો જામી રહ્યો છે તેમ તેમ મચ્છરજન્ય રોગચાળો ઘટી રહ્યો છે જોકે હવે શ્વસનને લગતા તેમજ વાઇરલ રોગચાળો વધવાની વકી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધીના સપ્તાહમાં ડેન્ગ્યુના 8, મલેરિયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ સાથે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 378, મલેરિયાના 40 અને ચિકનગુનિયાના 38 કેસ આવી ચૂક્યા છે. જોકે આ આંક છેલ્લા બે વર્ષ કરતાં વધુ છે. આમ છતાં ચાલુ વર્ષે કેસ ઘટ્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. મચ્છરજન્ય રોગ અટકાવવા માટે મનપાએ જણાવ્યું છે કે, સપ્તાહમાં કુલ 5640 ઘરમા ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરના પોરા મળી આવતા 496 ઘરને નોટિસ અપાઈ છે જ્યારે 251 વ્યવસાયિક એકમોને 6550 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાએ તાકિદ કરી હતી કે, લોકોએ પોતાના ઘર-ઓફિસ આસપાસ સફાઈ રાખવી અને કચરો એકઠો ન થવા દેવો.