2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત ઠેરવાયેલા તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ તહવ્વુર સાથે એક સ્પેશિયલ ફ્લાઇટમાં રવાના થઈ છે. તેઓ મોડી રાત સુધીમાં ભારત પહોંચવાની અપેક્ષા છે. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. NIA તેને આગામી થોડા અઠવાડિયા સુધી પોતાની કસ્ટડીમાં રાખશે.
સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેને ભારત દેશનિકાલ કરવામાં આવે તો તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.
તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને લોસ એન્જલસના અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.
26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
દરમિયાન, રાણાને ભારત લાવવા માટે ગૃહ મંત્રાલયમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત દોવાલ વચ્ચે બેઠક યોજાઈ હતી