ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ બિગ બેશ 2024 મેન્સ અને વુમન્સ લીગ માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 30 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 432 પુરૂષો અને 161 મહિલા સહિત કુલ 593 ખેલાડીઓએ બિગ બેશ લીગ (BBL)ના ઓક્શન માટે તેમના નામ રજૂ કર્યા છે.
BBL મેન્સ ડ્રાફ્ટમાં ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને પાકિસ્તાનના હારિસ રઉફ સહિત વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ઝડપી બોલરોનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એન્ગિડી ડ્રાફ્ટ પૂલમાં અન્ય એક ઉચ્ચ-પ્રોફાઇલ નામ છે. જેની સાથે તેનો દેશબંધુ તબરેઝ શમ્સી પણ છે. ટૉપ ઓર્ડર બેટર રીઝા હેન્ડ્રીક્સ પણ સામેલ છે.
ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા બિગ બેશ લીગની આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે રમતા જોવા મળશે. તેણે ફ્રેન્ચાઇઝી સાથે પ્રી-ડ્રાફ્ટ ઓવરસિઝન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મંધાના ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને પણ ડ્રાફ્ટમાં સામેલ કર્યા છે.