એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક વ્યક્તિએ તેની બાજુમાં બેઠેલા મુસાફર પર પેશાબ કર્યો હતો. વિમાન દિલ્હીથી બેંગકોક જઈ રહ્યું હતું.
એર ઇન્ડિયાના નિવેદન અનુસાર, આ ઘટના 9 એપ્રિલના રોજ બની હતી. કેબિન ક્રૂએ અહેવાલ આપ્યો હતો કે દિલ્હી-બેંગકોક ફ્લાઇટ (AI2336)માં એક મુસાફરે નિયમો વિરુદ્ધ વર્તન કર્યું હતું. આ બાબતની જાણ નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA)ના અધિકારીઓને કરવામાં આવી છે.
આ બાબતે નાગરિક ઉડ્ડયનમંત્રી કે રામમોહન નાયડુએ કહ્યું હતું કે જો કંઈ ખોટું થયું હશે તો અમે જરૂરી કાર્યવાહી કરીશું.
પીડિતે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો એરલાઇને કહ્યું હતું કે ક્રૂએ બધા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું. આ પછી અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી. પેશાબ કરનાર મુસાફરને પણ ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, ક્રૂએ પીડિત મુસાફરને બેંગકોકમાં અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરવામાં મદદ કરવાની ઓફર કરી, જેનો તેણે ઇનકાર કરી દીધો.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘટનાનું મૂલ્યાંકન કરવા અને આરોપી મુસાફર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવા માટે એક સ્વતંત્ર સ્થાયી સમિતિની રચના કરવામાં આવશે. આ મામલાની તપાસ માટે DGCAની સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કરવામાં આવશે.