દેશભરમાં તહેવારોની સિઝનમાં ઓટો કંપનીઓ અલગ-અલગ મોડલ પર 10 હજાર રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કેટલાક કિસ્સાઓમાં આ ડિસ્કાઉન્ટ ગયા મહિના કરતાં 680% વધુ એટલે કે 7.5 ગણું છે. જેના કારણે વેચાણમાં ઝડપથી વધારો થવાની સંભાવના છે. ગતવર્ષે તહેવારોમાં લગભગ સાડા પાંચ લાખ કારનું વિક્રમી વેચાણ થયું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટે તેવી શક્યતા દેખાઈ રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ થાર પરનો કુલ ડિસ્કાઉન્ટ વધારીને રૂ. 1.5 લાખ કર્યો છે. ગયા મહિને કંપની આ મોડલ પર માત્ર રૂ. 20,000ની ઓફર આપી રહી હતી. તેવી જ રીતે હોન્ડા કાર્સ ઇન્ડિયાએ અમેઝ પરના લાભો રૂ. 96000 થી વધારીને રૂ. 1.12 લાખ કર્યા છે. સીટી પર પણ કંપની હવે ગ્રાહકોને 1.14 લાખ રૂપિયા સુધીની ઓફર આપી રહી છે. અગાઉ આ મોડલ પર 88,000 રૂપિયા સુધીની ઓફર મળતી હતી.
ફાડાના મતે સપ્ટેમ્બરમાં કુલ 2.75 કારનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વેચાયેલી 3.39 કાર કરતાં આ 19% ઓછી છે. આ કારણે ડીલરો પાસે કારની ઈન્વેન્ટરી 80-85 દિવસના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 79 હજાર કરોડ રૂપિયાના લગભગ 7.90 લાખ વાહનો ડીલરો પાસે પડ્યા છે. તેમને વેચવા માટે આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. કારના વેચાણને શ્રાદ્ધ-પિતૃપક્ષ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે અસર થઈ હતી. હવે ટ્રેન્ડ રિવર્સ થશે.