એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દેશભરમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. ED દ્વારા મહાદેવ બેટિંગ એપ કેસને લઈને દેશભરમાં અલગ અલગ 15 જગ્યાઓ પર 16 એપ્રિલના રેડ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ઇન્દોર, જયપુર અને ચેન્નાઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી હતી. EDએ વિવિધ જગ્યાએ સર્ચ દરમિયાન 3.29 કરોડ રોકડા અને 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ/ બોન્ડ/ ડિમેટ ખાતાઓ ફ્રીઝ કર્યા છે.
તપાસ દરમિયાન EDએ અનેક ગુનાહીત દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ જપ્ત કર્યા છે. EDની તપાસમાં સામે આવ્યું કે, સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ થયેલું ભંડોળ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવતું હતું. અત્યાર સુધી ED દ્વારા 170થી વધુ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું. તપાસમાં 3002.47 કરોડની સ્થાવર જંગમ મિલકત જપ્ત કરાઈ અથવા તો ટાંચમાં લેવાઈ છે. આ કેસની અત્યાર સુધીની સમગ્ર તપાસ દરમિયાન ED દ્વારા 13 લોકોની ધરપકડ કરાઇ અને 74 સંસ્થાઓને આરોપી તરીકે રજૂ કરાઈ હતી.
ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા જનરેટ કરાયેલા ભંડોળ એટલે કે Proceeds of Crime (POC) ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા અને બાદમાં વિદેશી FPIs (જે મોરેશિયસ, દુબઈ વગેરે સ્થિત છે) ના નામે ભારતીય શેરબજારમાં જમા કરવામાં આવી રહ્યા હતા. સામાન્ય રોકાણકારોને છેતરવા માટે ચોક્કસ એસએમઈ ક્ષેત્રની સિક્યોરિટીઝના કૃત્રિમ ભાવ-વધઘટ માટે કેટલીક કંપનીઓમાં નાણાં જમા કરવામાં આવ્યું હતું. જેમાંથી કેટલાક રોકાણો શોધ દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા છે. હવે આ શેરના ભાવની હેરાફેરીનો સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી ઉજાગર કરવા માટે ઈડી દ્વારા તપાસ ચાલુ કરી છે. તપાસ ચાલી રહી છે. આવી લિસ્ટેડ એન્ટિટીના પ્રમોટરોની ભૂમિકા પણ બહાર આવી છે, જેમણે શેરના પ્રેફ્રન્શિયલ ઇશ્યૂ, પ્રમોટર્સ/પ્રમોટર-નિયંત્રિત શેરના વેચાણ અને શેર વોરંટ જારી કરવાના બહાને તેમની કંપનીમાં આ દૂષિત ભંડોળનો ઉપયોગ કર્યો છે. આમાંની કેટલીક લિસ્ટેડ કંપનીઓનો ઉપયોગ શેરબજારમાં રોકાણને સ્તર આપવા માટે પણ થતો હોવાનું જાણવા મળ્યું છે.