બ્રિટનના લીસેસ્ટરમાં એક વખત ફરી પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અહીં રવિવારે અચાનક બે જૂથની ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર કાંચની બોટલો પણ ફેંકવામાં આવી. લાઠી-દંડાથી સજ્જ ભીડે સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું.
મુસ્લિમ અને હિન્દુ કોમ્યુનિટીના લોકો વચ્ચે તણાવની શરૂઆત એશિયા કપમાં પાકિસ્તાનની હાર પછીથી શરૂ થઈ હતી. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે પછી 6 સપ્ટેમ્બર લીસેસ્ટરમાં રોષે ભરાયેલા પાકિસ્તાની મુસ્લમાનોએ હિન્દુઓ પર હુમલો કરી દીધો હતો.
BBCના રિપોર્ટ મુજબ રવિવારે થયેલી અથડામણ પછી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. લીસેસ્ટર શહેર લંડનથી માત્ર 160 કિમી જ દૂર છે. લીસેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ રોબ નિકસને કહ્યું- અમને પૂર્વી લીસેસ્ટરમાં તણાવની જાણકારી મળી છે.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ લોકોને રોકીને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. નિક્સને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. આવનારા અનેક દિવસો સુધી વિસ્તારમાં પોલીસને તહેનાત રાખવામાં આવશે.