બ્રાઝિલનો સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયર ભારત આવી શકે છે. ઈન્ડિયન સુપર લીગ (ISL)ની સાઇડ મુંબઈ સિટી FC એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) ચેમ્પિયન્સ લીગ ગ્રુપમાં અલ-હિલાલની સાથે ડ્રો કરવામાં આવી છે. નેમાર તાજેતરમાં સાઉદી અરેબિયન ક્લબ અલ-હિલાલ સાથે જોડાયો છે.
મુંબઈ સિટી એફસી તેમની હોમ મેચ પુણેના બાલેવાડી સ્ટેડિયમમાં રમશે. નેમારની ટીમ અલ-હિલાલ મુંબઈ સામે અવે મેચ રમવા પૂણે આવશે. આમાં નેમાર પણ ટીમ સાથે આવી શકે છે. ટુર્નામેન્ટની મેચનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
આ બે ટીમ ઉપરાંત, ગ્રુપ Dમાં અન્ય બે ટીમ ઈરાનની એફસી નાસાજી મઝંદરન અને ઉઝબેકિસ્તાનની પીએફસી નવબહોર નમનગન છે.
અલ-હિલાલ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ
અલ-હિલાલ એશિયન ચેમ્પિયન્સ લીગના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે. આ વર્ષે, ટીમે ટ્રાન્સફર વિન્ડોમાં નેમારને તેની ક્લબમાં ઉમેર્યો છે, તેમજ અન્ય મોટા ખેલાડીઓ જેમ કે રુબેન નેવેસ, કાલિડો કૌલિબાલી અને ક્રોએશિયાના સર્ગેજ મિલિન્કોવિક-સેવિક.
અત્યાર સુધી માત્ર બે ભારતીય ક્લબ જ એશિયન ચેમ્પિયન્સ લીગના ગ્રુપ સ્ટેજ સુધી પહોંચવામાં સફળ રહી છે. જેમાં ગોવા એફસી અને મુંબઈ સિટી એફસીનો સમાવેશ થાય છે. અગાઉ ક્વોલિફિકેશન તબક્કામાં, બેંગલુરુ એફસી, ચેન્નઈ સિટી, મિનર્વા પંજાબ અને આઈઝોલ સિટી એફસી પ્રારંભિક રાઉન્ડમાં રમી ચૂકી છે.