શહેરના જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં રહેતા યુવકને પાઇપ અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જીશાન મુસ્તફાભાઇ કાસમાણી (ઉ.વ.20) સોમવારે રાત્રે નવેક વાગ્યે જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર હતો ત્યારે અફઝલ સિકંદર જુણેજા તેની પાસે આવ્યો હતો અને કોઇ વાત કરી જીશાનને પોતાની સાથે લઇ ગયો હતો. બંને થોડે દૂર પહોંચ્યા હતા તે સાથે જ અમન મહેબૂબ ચૌહાણ ધસી આવ્યો હતો અને જીશાન પર પાઇપથી તૂટી પડ્યો હતો. હિચકારો હુમલો થતાં જીશાને દેકારો મચાવ્યો હતો.
લોકો એકઠા થવા લાગતાં અમન ચૌહાણે છરીનો ઘા જીશાનને ઝીંકી દીધો હતો. ઝનૂનથી છરીનો ઘા ઝીંકાતા જીશાન કાસમાણી લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો અને હુમલાખોર અમન ચૌહાણ તથા અફઝલ જુણેજા નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ સરવૈયા અને રાઇટર નિલેશભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીશાન બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બાપુનગર મેઇન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો. આરોપી અમન ચૌહાણના પંદરેક દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે જીશાનને સંબંધ હોવાની અમનને શંકા હતી અને તે શંકાનો ખાર રાખી જીશાનનું કાસળ કાઢી નાખ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.