બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શનિવારે, કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ હિફાઝત-એ-ઇસ્લામ સાથે સંકળાયેલા 20 હજાર લોકોએ એક રેલી યોજી હતી. આમાં, સરકાર સમક્ષ મહિલા સુધારણા આયોગને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી. રેલીમાં હાજર રહેલા લોકોએ કહ્યું કે મહિલા સુધારણા આયોગ ઇસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે.
પ્રદર્શનકારીઓએ 'અમારી મહિલાઓ પર પશ્ચિમી કાયદાઓ લાદશો નહીં, બાંગ્લાદેશ જાગો' લખેલા બેનરો અને પ્લેકાર્ડ હાથમાં રાખ્યા હતા. હિફાઝત-એ-ઇસ્લામના નેતા મામુનુલ હકે પણ મહિલા સુધારણા આયોગના સભ્યોને સજા આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ કમિશને દેશના બહુમતી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
મહિલા મદરેસાના શિક્ષક મોહમ્મદ શિહાબ ઉદ્દીને રેલીમાં કહ્યું કે પુરુષો અને સ્ત્રીઓ ક્યારેય સમાન ન હોઈ શકે. કુરાનમાં પુરુષો અને સ્ત્રીઓ માટે જીવન જીવવાના ખાસ નિયમો જણાવાયા છે. દરેક વ્યક્તિએ આ સ્વીકારવું પડશે.