રશિયા-યુક્રેન યુદ્ધ હવે નવા વળાંક પર પહોંચી ગયું છે. આ યુદ્ધમાં યુક્રેન અમેરિકા, યુરોપ અને સહયોગી દેશો માટે ટેસ્ટિંગ લેબ બન્યું છે જ્યાં તેઓ તેમનાં હથિયારોના ઉપયોગ કરીને તેની કાર્યક્ષમતાને પારખી રહ્યાં છે. વાસ્તવમાં જેટલાં પણ હથિયારો છે તેનો પહેલાં ક્યારેય યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મામલે યુક્રેન હવે વેપન્સ લેબ બની ગયું છે.
અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની ઇન્ટેલિજન્સ કમિટીના સભ્ય જિમ હાઇમ્સનું કહેવું છે કે યુક્રેનમાં જે કંઇ પણ શીખવા મળ્યું છે તેના પર એક પુસ્તક પણ લખી શકાય છે.
એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે અમેરિકન સૈન્ય માટે યુક્રેનનું યુદ્ધ પોતાનાં હથિયારોના ઉપયોગના સંદર્ભે મોટા પાયે ડેટા પૂરા પાડશે. સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમના ડાયરેક્ટર સેન્ટ જોન્સે કહ્યું કે અમેરિકા બે આધુનિક દેશો વચ્ચે 21મી સદીના યુદ્ધના વ્યાપક સબકની દૃષ્ટિએ રશિયા-યુક્રેન યુદ્ધને નજીકથી જોઇ રહ્યું છે. પશ્વિમી દેશોએ હથિયારોમાં ખામીઓ શોધી છે. જ્યારે યુક્રેને આ ખામીઓ માટેનું સમાધાન પણ આપ્યું છે.
સ્માર્ટફોનની એપથી રશિયન ડ્રોનને તોડી પાડવામા આવે છે
અમેરિકા તેમજ પશ્વિમી દેશોનાં હથિયારોથી સચોટ નિશાન સાધવા માટે યુક્રેને એપ વિકસિત કરી છે. સ્માર્ટફોનની મદદથી ટાર્ગેટિંગ ટૂલ બનાવ્યું છે. જેનો સૈન્ય વ્યાપક ઉપયોગ કરીને ડ્રોનને તોડી પડાય છે. 3ડી પ્રિન્ટર સ્પેરપાર્ટ તૈયાર કરી રહ્યાં છે જેને કારણે યુદ્ધના મેદાનમાં જ ભારે ઉપકરણોને રિપેર કરાઇ રહ્યાં છે.