"મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત બદલ હાર્દિક અભિનંદન. અમને આશા છે કે અમે બંને અમારા લોકોના ભલા માટે અને વિશ્વમાં સ્થિરતા અને શાંતિ માટે સાથે મળીને કામ કરીશું." અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીતની પુષ્ટિ થતાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ટ્રમ્પના ફરીથી રાષ્ટ્રપતિ બનવાની અસર ભારતની નિકાસ પર જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ એટલે કે અમેરિકન સામાન પર ઉંચો ટેક્સ લાદતો દેશ ગણાવે છે.
ટ્રમ્પે 17 સપ્ટેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ભારત આયાત ડ્યૂટીના મામલે ખૂબ જ કડક છે. જો મારી સરકાર આવશે તો અમે આ સ્થિતિ બદલીશું અને ટેરિફ ડ્યુટી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવીશું.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર રાજન કુમારના જણાવ્યા અનુસાર, જો ભારત અમેરિકન સામાન પર ટેરિફ નહીં ઘટાડે તો ટ્રમ્પ પણ ભારતીય સામાન પર ટેરિફ વધારી શકે છે. જેના કારણે અમેરિકામાં ભારતીય સામાન મોંઘો થઈ શકે છે. જેની સીધી અસર ભારતની નિકાસ પર પડશે.
બંને દેશો વચ્ચે ગયા વર્ષે એટલે કે 2023-24માં 128.78 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 10 લાખ કરોડનો વેપાર થયો હતો. આ સમયગાળા દરમિયાન ભારતે અમેરિકામાં 77.52 અબજ રૂપિયા એટલે કે 6 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી હતી.