દેશમાં હવે રોકાણ માટે ઇક્વિટી માર્કેટ તરફ પણ લોકોનો ઝોક વધ્યો છે. લોકો પરંપરાગત માધ્યમ ઉપરાંત ઇક્વિટી માર્કેટમાં પણ રિસર્ચ સાથે રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. ઇક્વિટી માર્કેટમાં આકર્ષક રિટર્નને પગલે ઓક્ટોબર મહિનામાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 41 ટકા વધીને રૂ.10.4 કરોડ નોંધાઇ છે.
મોતિલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અનુસાર ઓગસ્ટ મહિનાથી ડિમેટ એકાઉન્ટ્સમાં ઉતરોઉતર વધારો ઘટ્યો છે. ઓગસ્ટમાં ઉમેરો 26 લાખ રહ્યો હતો જે સપ્ટેમ્બરમાં ઘટીને 20 લાખ થયો હતો અને ઓક્ટોબરમાં વધુ ઘટીને 18 લાખ થયો હતો. ડિમટીરયલાઇઝ્ડ એકાઉન્ટ્સ ઓક્ટોબર 2021માં 36 લાખ હતા.
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના CEO (ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ) રૂપ ભુત્રાએ કહ્યું હતું કે ચાલુ કેલેન્ડર વર્ષે વૈશ્વિક પરિબળો તેમજ વ્યાપક માર્કેટમાં પ્રદર્શન નબળું રહેવાને કારણે નવા ડિમેટ એકાઉન્ટ્સમાં વધારા સાથે તેમાં બીજી તરફ ઘટાડાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો.
વર્ષ 2021 કરતાં આ વર્ષે માર્કેટમાં ઓછા આઇપીઓને કારણે પણ ડિમેટ એકાઉન્ટ્સમાં છેલ્લા કેટલાક સમયમાં સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીઝના VP નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી રશિયા-યુક્રેન યુદ્વ બાદ માર્કેટમાં વોલેટિલિટીને કારણે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સતત વધતો ફુગાવો તેમજ વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્વિક પરિબળોને અસર થઇ હતી. આ પ્રકારની અનિશ્વિતતાઓને કારણે આ તબક્કામાં બ્રોકર્સ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ ઓછો જોવા મળ્યો હતો. ઓક્ટોબરમાં ડિમેટ એકાઉન્ટમાં ઘટાડાનું કારણ એ પણ હોય શકે છે કે તહેવારોને કારણે ઓક્ટોબર 2022 દરમિયાન માત્ર 18 દિવસ સ્ટોક માર્કેટ ચાલુ રહ્યું હતું જ્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન 22 દિવસ સ્ટોક માર્કેટમાં કામકાજ યથાવત્ રહ્યું હતું.