ઉત્તરસંડાનું 40 વર્ષ જુનું આઈટીઆઈ ધાર્મિક પોષાકને લઇ વિવાદમાં આવ્યું છે. તાજેતરમાં કોઈ મુસ્લિમ વિદ્યાર્થી ટોપી પહેરીને આવતા અન્ય હિન્દુ વિદ્યાર્થીઓએ ઇન્સટ્રક્ટરનું ધ્યાન દોર્યું હતું. ઇન્સટ્રક્ટરે તમે પણ ટોપી પહેરીને આવી શકો છો તેમ કહ્યું હતું. બીજા દિવસે હિન્દુ વિદ્યાર્થીઅો ખેસ પહેરીને જતાં એન્ટ્રી અપાઇ ન હતી.
જેને પગલે સમગ્ર મામલો વિશ્વ હિન્દુ પરિષદ સુધી પહોંચ્યો હતો. જે અંગે વિહિપના કાર્યકરો મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે ઉત્તરસંડા આઈટીઆઈ પહોંચ્યા હતા. સમગ્ર મામલે આચાર્યને રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી થતા એક સમયે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
હેરંજ પ્રાથમિક શાળામાં ગરબાના કાર્યક્રમ દરમિયાન છાજીયા લેવાનો મુદ્દો હજુ શાંત પડ્યો છે. ત્યાં ઉત્તરસંડા આઇટીઆઇમાં નવો વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે સંસ્થામાં એક મુસ્લિમ યુવક ટોપી પહેરીને આવતો હોય હિન્દુ વિદ્યાર્થીઓએ ઇન્સટ્રક્ટરને જાણ કરી હતી. જેથી ઇન્સટ્રક્ટરે તમે પણ ટોપી પહેરી શકો છો, તેવો જવાબ આપ્યો હતો. બીજા દિવસે હિન્દુ યુવકો ખેસ પહેરીને સંસ્થામાં પહોંચ્યા ત્યારે તે લોકોને ગેટની બહાર જ રોકી દેવાયા હતા.