150 ફૂટ રિંગ રોડ પર ચંદ્રેશનગર ખીજડાવાળા રોડ પર આવેલા કોમન પ્લોટમાંથી યુવકની લાશ મળી આવી હતી, પરપ્રાંતીય યુવકને દારૂની મહેફિલમાં માથાકૂટ થતાં પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનું ખુલ્યું હતું, પોલીસે બંને આરોપીને ઝડપી લઇ તપાસનો ધમધમાટ આદર્યો હતો.
ચંદ્રેશનગર ખીજડાવાળા રોડ પર કોમન પ્લોટમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી, યુવકના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકાયાનું સ્પષ્ટ દેખાતું હતું, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને મૃતક પાસેથી મળેલા એક મોબાઇલ નંબર પર પોલીસે સંપર્ક કરતાં મૃતકના મામા મેટોડામાં રહેતા અને ફેક્ટરીમાં કામ કરતા અવધેશ દુધનાથ રાજભર દોડી આવ્યા હતા અને તેમણે મૃતક તેનો ભાણેજ ઉત્તરપ્રદેશના માધવ છાપરા ગામનો રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર (ઉ.વ.25) હોવાનું ઓળખી બતાવ્યું હતું.
પોલીસે અવધેશ રાજભરની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, અવધેશ રાજભરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજેશ રાજભર છેલ્લા છ વર્ષથી રાજકોટમાં રહી ફ્રેબ્રિકેશનનું કામ કરતો હતો, છેલ્લે મીતુલભાઇના કારખાનામાં કામ કરતો હતો પરંતુ પંદરેક દિવસથી ત્યાં પણ કામે ગયો નહોતો.
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રાજેશ રાજભરની લાશ મળી ત્યાં રાત્રીના રાજેશ તથાં અન્ય બે શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, પોલીસે તે બે શખ્સોની ભાળ મેળવી લીધી હતી અને બંનેને સકંજામાં લીધા હતા, પરંતુ તે ઝડપાયા ત્યારે પણ નશાની હાલતમાં હતા, જોકે દારૂની મહેફિલમાં રાજેશ રાજભરે ગાળો ભાંડતા ઉશ્કેરાઇને તેને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનું બંને આરોપીએ કબૂલ્યું હતું, પોલીસે પુરાવા કબજે કરવા તપાસ આગળ ધપાવી છે.