વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ 630 હેક્ટરમાં ફેલાયેલું છે. આ તળાવ હજારો માઈલ દૂરથી આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. 135થી વધુ પ્રજાતિના પક્ષીઓની આ અલગ દુનિયામાં 35થી વધુ પ્રજાતિના પક્ષી યાયાવર છે. અંદાજે 100 વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તે પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે.
વઢવાણા પાસે આવેલા તળાવ સુધી પહોંચી જાવ, એટલે તમને દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) અને રામસર સ્થળના દર્શન થઈ જાય.આમ તો સ્થાનિક પક્ષીઓ માટે આ રહેણાંક સ્થાન જેવું જ છે, પરંતુ જો તમારે વિદેશી પક્ષીઓને જોવા હોય કે તેની કરતબ નિહાળવી હોય કે પછી પ્રકૃતિને મહાલવી છે.તો, આ જ સમય શ્રેષ્ઠ છે. કારણ કે, શિયાળામાં એટલે કે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી અહીં યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે.
બતક, હંસ, બગલા-બગલી અને ડૂબકીઓ સહિતના અલગ-અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે.
હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવીને તેમને ગમતું અને સુરક્ષિત વિશ્વ મેળવી લે છે. આમ તો, અહીં પક્ષીઓની વિવિધતા અને સુંદરતા માણવા તેમજ અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. આમ છતાં સાંજે પાંચ વાગ્યા સુધી પક્ષી દર્શન થતા રહે છે.