અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે શહેરના SP રિંગ રોડ ઉપર ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જતાં ઔડાના સર્વિસ રોડ ઉપર ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું. જેમાંથી એક SUV કારચાલક પોતાની કાર લઈને પસાર થવા જતાં ફસાયો હતો. કારમાં બે યુવતીઓ અને એક યુવક એમ ત્રણ લોકો ફસાયા હતા. જોકે, ગાડીના ઉપરના ભાગે આવેલું રૂફ ટોપ ખોલી તેઓ ગાડીના ઉપર બેસી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકો દ્વારા તેમનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ભારે વરસાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિકાસના નામે નવા બનાવેલા રસ્તાઓ પરથી પાણી નીકળવાની જાણે કોઇ વ્યવસ્થા ન હોય તે સ્પષ્ટ પણે આ વરસાદી સીઝનમાં બહાર આવ્યું છે.
શહેરના SP રિંગ રોડ પર નવો વિકસીત થતો ત્રાગડ ગામ નજીક સર્વિસ રોડ ઉપર ગરનાળામાં આશરે 4થી 5 ફૂટ જેટલા ઊંડા પાણી ભરાયા હતા. આ સમયે એક SUV કાર લઈને એક યુવક પાણી ભરેલા રસ્તાને ક્રોસ કરી રહ્યો હતો, પરંતુ પાણીમાં વચ્ચે પહોંચતા જ કાર ઓટોમેટિક લોક થઈ ગઈ હતી. જેમાં પાણી કારના બોનેટથી ઉપર વિનસીલ્ડ કાચ સુધી પહોંચી ગયું હતું.